જામનગર,
પ્રજાવત્સલ અને દરેક વર્ગ માટે સંવેદનશીલ એવી રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે.
આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશા લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતાં રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અને તેની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે.
સમાજનાં બાળકો, યુવાનો હોય કે વૃધ્ધો એટલે કે સમાજનું ભવિષ્ય, વર્તમાન નિર્માતાઓ કે અનુભવી ભવ્ય વારસો રાજ્ય સરકાર સતત તેમને પ્રોત્સાહિત કરી, તેમનું ઘડતર અને જાળવણી થાય તેની ચિંતા કરે છે. સમાજનું ભવિષ્ય એવા બાળકો આવતીકાલનો પાયો છે અને ગુજરાતનો પાયો તંદુરસ્ત, મજબુત અને સ્વસ્થતાના પરિમાણો પર રચાય તેની કાળજી રાજય સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓ થકી લેવાઈ રહી છે.
કુપોષણ મુક્ત, તંદુરસ્ત અને સ્વચ્છ સમાજની રચનામાં કોઈપણ બાળક પાછળ ન રહી જાય, નાણાંના અભાવે કોઈપણ બાળક સારવારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, બાલ સખા યોજના, મા અમૃતમ, મા વાત્સલ્ય અને માર્ગ અકસ્માત સહિતની અનેક યોજના અમલમાં છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ-શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળકો માટે આશીર્વાદ સમાન યોજના છે. અનેક બાળકો માટે આ યોજના સંજીવની સમાન પુરવાર થઈ છે. જામનગર જિલ્લાના અનેક બાળકોને આ કાર્યક્રમ થકી નવજીવન મળ્યું છે. ગંભીર બિમારીમાંથી સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને બચાવી લેવાયા છે. ત્યારે સરકારના ખર્ચે તપાસ, ઓપરેશન વિના મુલ્યે કરાવી અપાતા બાળકોના વાલીઓએ તબીબો અને સરકારી આરોગ્ય સ્ટાફનો આભાર માન્યો છે.
જામનગરના ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મહેશભાઈ ઝાલા અને તેમના પત્ની ભારતીબેનને પુત્ર જન્મ થતાં પરિવારમાં ખુશાલી છવાઈ હતી, પરંતુ પુત્ર રૂદ્વરાજ વારંવાર બીમાર રેહતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રૂદ્વરાજની તપાસ થતાં તેને જન્મથી જ હ્રદયની ધમનીઓની તકલીફ હોવાની જાણ થઈ હતી. આ ખામી વિશે અને તેની સારવાર માટે ઓપરેશનની આવશ્યકતા છે તેની મહેશભાઈને જાણ થતાં જ સારવાર માટે લાખોના ખર્ચની ચિંતા તેમને ઘેરી વળી હતી. ઓપરેશન માટે રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરવી ? તેના વિશેનો ગભરાટ, મુશ્કેલી મહેશભાઈએ તપાસ અધિકારીને જણાવ્યા. રાજ્ય સરકાર દ્વારા બાળકોના હ્રદય સહિતના ગંભીર રોગની સારવાર વિના મુલ્યે થાય છે તેવી માહિતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.નરેન્દ્વ માલાણી અને ડૉ.ધ્વનિ દેવાણીએ આપતા પરિવારને રાહત થઈ હતી.
૪ માસના રૂદ્વરાજને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ૧૫ દિવસની સારવાર બાદ હ્રદયના ઓપરેશનના અંતે તબિયત સારી થતા રજા આપવામાં આવી ત્યારે પરિવારે સરકારશ્રીનો આભાર માન્યો હતો. “રૂદ્વરાજના પિતા મહેશભાઈ કહે છે કે, કોઈપણ પરિવારનું બાળક તેનાં પ્રાણ જેવું હોય છે. તેના પર સંકટ આવે ત્યારે પરિવાર પણ વેદના અને નાણાકિય ચિંતા થકી સંકટમાં આવી જાય છે. આ સમયે જો સારામાં સારી હોસ્પિટલમાં બાળકની વિના મુલ્યે સારવાર થાય તો પરિવારમાં પણ પુન:પ્રાણ પુરાય છે. સરકારના આ કાર્યક્રમથી મારા દિકરાને નવું જીવન મળ્યું છે અને આ માટે રાજ્ય સરકારશ્રીનો ખુબ ખુબ આભારી છું.”
જામનગર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવારે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પણ નવા દાખલ થયેલા તેમજ અન્ય તમામ જન્મથી લઈ ઉચ્ચતર શાળામાં અભ્યાસ કરતાં બાળકોની તપાસણી ચાલુ છે અને તેમાંના ગંભીર રોગનું નિદાન થયેલા બાળકોને અમદાવાદ સહિતની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવશે.